ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

દરીયામાં ભરતી ને ભીતરે ઓટ !!

 

 

 

 

          તું આવવાની છે એવા વાવડ આવ્યા ને મારા ઉંબરાના પથ્થરોમાં જાન આવી ગયો! ટોડલે લટકતાં તોરણો બોલું-બોલું થવા માંડયાં. બારસાખ તો જાણે તને ભેટવા જ તૈયાર ઉભું’તું. આંગણામાં પુરેલી રંગોળીના રંગો ઝળહળું થવા માંડયા.મારી ઓસરી પરનાં દેશી નેવાં કાન સરવા કરીને બેઠાં હતાં કે ક્યારે તારા ઝાંઝરનો ઝંકાર થાય. ઓસરીના નાટ પરના માળામાંની ચકલી આજ સવારથી ઓસરી છોડીની બહાર ગઇ જ નો’તી. કાગડો તો સવારથી જ કા-કા-કા કરીને કોઇના આવવાના સમાચાર આપી ગયેલો. મારા આંગણામાં વાવેલો તુલસી પણ આજે વધારે ખુશ્બુ ફેલાવી રહ્યો હતો. નાનો ભાઇ પણ બહું ખુશ હતો તેણે આજે નિશાળે ન જવાની હઠ પકડેલી.

          બપોર થઇ, બધા રાહ જોતા હતાં તારી. ત્યાં જ ટપાલી આવ્યો, તું નહી પણ તારો પત્ર આવ્યો. એમાં લખ્યું હતું; “પ્રિયે, આમ તો હું આવવાની જ હતી પણ પછી વિચાર માંડી વાળ્યો, આ ગરમીમાં ગામડામાં રહેવાને બદલે તું મુંબઇ આવ. પુનમ આવે છે, દરીયામાં સરસ ભરતી આવશે, જોવા જઇશું”

         -અને મારા ચહેરા પર થીજી ગયેલા મૌનને સૌ સમજી ગયા! સર્વત્ર સ્તબ્ધતા છવાઇ ગઇ. તારા મુંબઇના દરીયામાં તો ભરતી આવી જ હશે પણ મારા દરીયા જેવડા દિલમાં ઓટ આવી ગઇ અને આખા ઘરમાં ન પુરાય એવી તારી ખોટ!!

          શેરીના નાકે સુંદર રાગમાં ગવાતૂં આ ગીત બેસુરુ થઇ ગયું… અને હું એને સાંભળી શકવાની હામ ગુમાવી બેઠો!!

 

મેરી સપનોકી રાની કબ આયેગી તું ??

આઇ ઋતું મસ્તાની કબ આયેગી તું ??

બીત જાયેગી જીંદગાની કબ આયેગી તું ?

ચલી આ…..  તું ચલી આ……

 

         

Share

Advertisements

જાન્યુઆરી 29, 2011 Posted by | મૌલિક પ્રેમપત્રો | 7 ટિપ્પણીઓ

હમ તો તેરે આશિક હૈ સદીયો પુરાને…

યે દિલ હૈ કે માનતા નહીં..

 

 હાય ડાર્લિગ !

          ગઇકાલે ફ્રિ પિરિયેડમાં તું જ્યારે બહાર લટાર મારવા ગઇ ત્યારે મેં તારો મોબાઇલ ચુપકીથી જોઇ લીધો હતો. તારા Contect Listમાં મારું તો નામ જ નથી! મેં એમ સમજીને મનને મનાવી લીધું કે જેનું નામ દિલમાં કોતરાઇ ગયું હોય તેનું નામ મોબાઇલમાં ન હોય તો ચાલે જ ને !! પણ જેના મોબાઇલમાં મારો ફોન નંબર નથી એના પર્સમાં મારો ફોટો હશે એવી મારી કલ્પના તો ખોટી જ ને ? એ જે હોય તે પણ ‘હમ તો તેરે આશિક હૈ સદીયો પુરાને, ચાહે તું માને, ચાહે ન માને…..’

          આમ તો વેકેશન ખુલ્યા પછીના પહેલા વીકમાં ભણવા જવાની આદત મને બાળપણથી જ નથી. આ તો તારા સાંનિધ્યને માણવા માટે જ ઉઘડતી કોલેજે આવા ગરમીના દિવસોમાં કલાસમાં ગુડાવું પડે છે! એનો ય વાંધો નથી પણ કોલેજ આવ્યા પછી ખબર પડે કે મહારાણી આજે રજા પર છે તો કેવો ફોગટનો ફેરો પડે ? જાણે  “ખુબ દોડયા પછી અમે એવા મુકામ પર પહોંચ્યા, જાણે ખીસ્સું સાવ ખાલી ને દુકાન પર પહોંચ્યા”

          આમ તો ક્યાંય મોગરાની સુગંધ પ્રસરે એટલે તું આજુબાજુમાં જ હશે એવો વ્હેમ જાગે. ચોપાટી પર કોઇ વછેરીનો દોડવાનો દબડક દબડક અવાજ સાંભળું ને મને થાય છે કે તું કલાસની બહાર પેસેજમાંથી ઍડીવાળાં ચપ્પલ પહેરીને દોડતી આવી રહી છે! મને તો એવી કલ્પના પણ આવે છે છે કે તું મને કોલેજ જવા માટે લેવા આવે , હું ઘરની ગેલેરીમાં ઉભો હોઉં ને તું મને બુમ પાડે. આપણે હાથમાં હાથ પરોવીને કોલેજના કેમ્પસમાંથી કલાસમાં જતાં હોઇએ એવાં સપનાં તો મને લગભગ રોજ આવે છે !

          પણ તું કેટલી નાદાન છે, નાસમજ છે ? તું તો મને એવી રીતે બોલવે છે કે હું તારો કશું જ થતો ન હોઉં !! મિત્ર પણ નહીં ! મને એવું લાગે છે કે તુ શરમાળ છે ને એટલે આ રીતે વર્તે છે. કે પછી મને તલસાવવામાં, તડપાવવામાં તને મજા આવે છે ? એ જે હોય તે પણ મેથ્સના ટીચર મને ‘ડોબો’ કહે ત્યારે તું નીચું જોઇને જે રીતે હસે છે તે મને નથી ગમતું છતાંય તારું હસવું મને ગમે છે ! ગયા વીકમાં મેં કલાસના નોટીસ બોર્ડ પર એક કવિતા મુકેલી એની નીચે કોઇએ કોમેન્ટ લખેલી, ‘મુર્ખાઓ દિલ વલોવી વલોવીને કવિતાઓ લખે છે અને શાણાઓ એને વાંચીને હસી લે છે!’ મને એવું તો નથી જ લાગતું કે આ તે લખ્યું હશે પણ અક્ષર મને તારા જેવા કેમ લાગે છે ?! એ જે હોય તે પણ તારા સુંદર વળાંકવાળા અક્ષરો મને ખુબ જ ગમે છે.

          વેસ્ટર્ન આઉટ ફીટસની ડિઝાઇન તો ડિઝાઇનરે તને ધ્યાનમાં રાખીને જ બનાવી હોય એવું મને લાગ્યા કરે છે! આ પંજાબી ડ્રેસની શોભા તો તારા જેવી ગુજરાતણ જ વધારી શકે. એ જે હોય તે આપણા કોલેજવાળા ‘સાડી ડૅ’ કેમ ઉજવતા નથી ?!

          કોઇકે એમ કહ્યું છે કે સામાવાળાના દિલમાં તમારી કેટલી જગ્યા છે એની ખબર તમારા ઇમેઇલના ઇનબોક્ષમાં એના કેટલા મેઇલ પડયા છે એના પરથી પડે છે. મને વિચાર આવે છે કે આપણે ઇન્ટરનેટના આ જમાનામાં ‘નૅટ’ થી ‘ચૅટ’ કરતા રહીએ તો કેવું ? એમાં પાછું જોખમ ઓછું અને સગવડતા વધારે.

          ડાર્લિંગ, સપના અને કલ્પનામાં તને મળવાની મને આદત પડી ગઇ છે. આજે પહેલીવાર તને પત્ર લખવાની મેં હિંમત કરી નાખી છે. મને એવું કહેતાંય નથી આવડતું કે, ‘યે મેરા પ્રેમપત્ર પઢકર… તુમ નારાજ ના હોના…, તુમ મેરી જીંદગી હો…. કી તુમ મેરી બંદગી હો….’ એ જે હોય તે પણ તું નારાજ થઇ જશે તો હું કોલેજ આવવાનું બંધ કરી દઇશ. મારી કારકિર્દી જોખમમાં ન આવી પડે તે તો તું જોશે જ ને ? મારી તો બસ એટલી જ ભાવના છે કે, ‘તુમ જૈસી કોઇ મેરી જીંદગીમેં આયે….તો બાત બન જાયે….’

 

લી.,

તારા પછીની ત્રીજી પાટલી પરથી

તારો દિવાનો

 

Share

જૂન 21, 2010 Posted by | મૌલિક પ્રેમપત્રો | 3 ટિપ્પણીઓ

યે આંખે દેખકર હમ સારી દુનિયા ભુલ જાતે હૈ…

 
 
                                           પ્યાર કરતે હૈ હમ તુમ્હે ઇતના.. દો આંખોમેં ક્યા દો જહાંમેં ન સમાય ઇતના..

  

 મારા હૈયાની રાણી,  

 

           હું તને કોઇપણ સંબોધન કરું, મને એ તારા માટે નાનું અને અધુરું જ લાગે છે.  પેલા ફિલ્મી ગીતની જેમઃ ‘તું પ્યારકા સાગર હૈ, તેરે એક બુંદકે પ્યાસે હમ…’  

   

           કે..ટ..લા દિવસો વીતી ગયા છે પ્રિયે આપણને રૂબરૂ મળ્યાને ? ગયા અઠવાડીયે એક મસ્તીલી અને માદક સાંજે આપણે મહાપરાણે, ભારે હૈયે છુટાં પડેલાં, ત્યારે મારા બદન પરથી કોઇ ચામડીને ઉતરડીને દુર કરી રહેલું હોય એવી વેદના મને થયેલી ! સારું છે કે તારી સખીએ તને એ પળે સંભાળી લીધેલી.. મારે માટે તો આંસુઓને આંખમાં સાચવી રાખવાનું ય મુશ્કેલ હતું ! તારી આંખોમાંથી ટપકતો વિષાદ મારી આંખોને ભીંજવીને જ રહ્યો ! મારી નજરો નજર રીક્ષામાં બેસીને તારી ગાયબ થઇ જવાની ઘટનાથી હું તો ઠીક, મારી ગાડીનું એંજીન પણ ઘડીભર માટે ઠંડુ પડી ગયેલું. પ્રિયે, તારા વીનાનું જીવન હવે અસલામત લાગે છે. તે કયારેય જળ વીના તરફડતી માછલી જોઇ છે ? ના જોઇ હોય તો એકવાર છુપા વેશે આવીને મને જોઇ લેજે !!   

            

           તારા અહીંથી ગયા પછી રસ્તામાં તું કેમ રડેલી ? તને યાદ હોય તો મેં તને પહેલી મુલાકાતમાં કહેલું, ‘ગાડી- બંગલાનું વચનતો હું તને નથી આપતો, એ તો થોડુંક સંજોગોને આધિન છે. પણ એક વચન આપુ છું કે તારી આંખોમાં ક્યારેય આંસુ નહીં આવવા દઉં.’ –અને મારા જ વિયોગે, મારા જ કારણે તારે રડવું પડયું !?  

              

           આજે તો પત્ર લખવાનો ય મુડ નથી. પત્રમાં લખી લખીને શુ લખાય ? લાગણીના ફોટા પાડી શકાતા હોત તો હું એની રંગીન તસ્વીરો તને મોકલાવત. મારા દિલની ધડકનને તારા દિલમાં મુકીને સમજી શકાતી હોત તો ધડકનો વીણી વીણીને આ પરબીડીયું ભરી નાખ્યું હોત. ઠીક છે કે ફોન છે નહીં તો તારું અને મારું શું થાત ? એક વાત છે, ક્યારેક તો તું જે પ્રત્યક્ષ નથી કહીં શકતી તે ફોનમાં કહી દે છે ! હમણાં જ તે મને મારી જ એક પંક્તિ સંભળાવી દીધેલી કે, ‘બધા જ ગુણો હોય જો કોઇ વરમાં સજનવા, એની ગણના થાય છે સુ-વરમાં સજનવા !’  ખેર, મેં કંઇ તારી આવી નાદાનિયતને ગણનામાં નથી લીધી. મને તો તને ફોન પર સાંભળતો હોઉં ત્યારે તું જાણે મને અવાજ દ્વારા સ્પર્શી રહી હોય એવું લાગે છે અને અવાજના આ જાદુઇ સ્પર્શથી મારા રુંવે રૂવેથી કલરવ ઉઠે છે, અંતરમાં પરમ તૃપ્તિ થાય છે પણ શરીરમાં એક ખાસ પ્રકારની પ્યાસ જાગે છે.   

             

            તું પાસે નથી તો તને યાદ કરીને જીવું છું. આવનારા દિવસોની કલ્પનાઓ જ મને રોંમાંચિત કરી મુકે છે. પછી એ કલ્પનામાં વારંવાર પરસ્પરના ગાઢ આલિંગનની ભીંસમાં ઓગળી જતા અસ્તિત્વની ઘટના હોય કે આ દિવ્ય પ્રેમની ફળશ્રુતી સમું હસતું ખીલતું ફૂલ ! માત્ર તારા અને મારાથી રચાયેલી એ દુનિયા કેટલી રંગીન હશે, ડાર્લિંગ ?   

              

             આજે તો હવે અહીંથી જ અટકું છું. આવજે !   

     

લી.,   

તારા દિલના રજવાડાનો રાજા !   

          

   

 

Share

જૂન 15, 2010 Posted by | મૌલિક પ્રેમપત્રો | 3 ટિપ્પણીઓ

મેરી સપનોકી રાની કબ આયેગી તું ?

 

મેરી સપનોકી રાની કબ આયેગી તું ?

બડી ૠતું મસ્તાની કબ આયેગી તું ?

ચલી આ…. ચલી આ…. તું ચલી આ…

 

ડાર્લિંગ,

         

          એકદમ મજામાં હોઇશ. ફોન પર તારો મન મુકીને હસવાનો ખિલખિલાટ સાંભળીને અત્યારે હું એ ખિલખિલાટને ગજવે ભરવાની મથામણ કરું છું! તારો પ્રેમથી લથબથ થયેલો પત્ર મારા હાથમાં છે. હું એને હૈયાની આંખો વડે વાંચી રહ્યો છું. દિલના પ્રત્યેક ધબકારની સાથે તારી સ્મૃતિઓની મધુર ધંટડીઓ રણકી રહી છે. જાણે મારા દિલમાં તારો રાજ્યાભિષેક ચાલી રહ્યો છે !!

 

          ગત રવિવારની બપોરની એ મદહોશ ક્ષણોના ઘેનમાંથી હું હજુય પુરો મુક્ત થયો નથી….કે જ્યારે આપણે પરસ્પરના બહુપાશમાં એક આછેરા આલિંગનની મોજ માણી રહ્યાં હતાં ! તારી વાચાળ આંખો, મૌન હોઠ અને હસતા ચહેરાને તારી ના-ના-ના ની વચ્ચે મારા હોઠ ચુમી લેવા તત્પર હતા, ચુમી લેતા હતા. જાણે તારી શરમ અને મારી શરારત સંતાકુકડી રમતાં’તાં ! સંતાકુકડી રમતાં રમતાં એક બીજામાં ખોવાઇ જવાનો આનંદ કેવો હતો પ્રિયે ? આપણી ઓળખ, આપણું અસ્તિત્વ એક બીજા માટે ન્યોછાવર થઇ રહ્યાં હતાં જેમ પાણીમાંથી પરપોટો અને પરપોટામાંથી પાણી થાય એમ ! તે તો લજ્જાવશ તેનો પડઘો પત્રમાં પાડવાનું ટાળ્યું છે પણ મારા તો રુંવે રુંવે તે કરેલા સ્પર્શ પાંગરી રહ્યા છે ! તારા મીઠા, માદક અને ઘેઘુર શબ્દો ટહુકાઓ બનીને મારા કાનમાં હજીયે ગુંજી રહ્યા છે.

 

          ડાર્લિંગ, દિવસે દિવસે આપણો પ્રેમ વધારે પ્રગાઢ, પરિપક્વ અને સુંવાળો બની રહ્યો છે. આપણી વચ્ચે ક્યાંય કશુંય છુપાવી ન શકાય તેવી પારદર્શકતા આવી ગઇ છે ! આ ક્ષણે તારા પત્રની પ્રત્યેક કડી મને હચમચાવી રહી છે. હું સાવ પ્રેમ ભીનો થઇ ગયો છું. તું નજીક હોત તારા પાલવ કે દુપટ્ટાથી જરાક કોરો થઇ જાત !

 

          મે તો મારા જીવનની સઘળી ક્ષણો હવે તને અર્પણ કરી દીધી છે. તારો માત્ર સહવાસ પણ મારો પરિણય બની રહે છે. તારી અંગડાઇઓ મારા માટે ઉર્જા પેદા કરે છે. માત્ર તારું અસ્તિત્વ જ મારું વિશ્વ છે. પ્રેમ-પ્યાર– ઇશ્ક અરે મારું સર્વસ્વ તું છે. સાચું કહું તો તારા વગરનું જીવન હવે જીવન નથી લાગતું ! લાગે છે કે કશુંક ગુમાવીને જીવી રહ્યો છું. તારો વિરહ મને કયાંક પાગલ ન બનાવી દે તો સારું.

 

          મારા હોઠ પર તો દિનભર મસ્તીભર્યાં ગીતો જ આવ્યા કરે છે. ખબર જ નથી પડતી કે તે દિવસે મારા કુંવારા હોઠો પર તે કવિતા લખેલી કે ચુંબન !!

 

લી.,

                                                                     તારા દિલની ધડકન

Encl:     મારા દિલની એક ધડકન

                                                 

 

Share

મે 20, 2010 Posted by | મૌલિક પ્રેમપત્રો | 6 ટિપ્પણીઓ

ફૂલ તુમ્હૈ ભેજા હૈ ખતમેં, ફૂલ નહીં મેરા દિલ હૈ…

 

 
 
 
 
 

રાજા કી આયેગી બારાત...

  

  

  

  

  

  

 

રાજા ! 

          તારો પત્ર વાંચ્યો અને દિલ ભરાઇ ગયું… કહેને કે છલકાઇ ગયું. મારા પત્રના ઇંતજારમાં તું કેવો અને કેટલો તડપતો હશે એ મારા સિવાય ભલા બીજું કોણ સમજી શકે ? કોણ કલ્પી શકે ? અને એટલે જ તો કોલેજથી મારતા સ્કુટરે ઘરે આવીને તને આ પત્ર લખવા બેઠી છું. હું લખી લખીને બીજું લખી પણ શું શકીશ ?  દિલને કાગળ પર નિચોવી લેવાનું મન થાય છે પણ એવી આવડત ક્યાં છે ! કાશ ! દિલમાં ઉદ્ભવતી લાગણીઓનો કાર્ડિયોગ્રામ કાઢી આપે તેવા કોઇ ડોકટર મારા શહેરમાં હોત ! 

         ડાર્લિંગ, તારા વગરની તે કંઇ જીંદગી છે ? તે તો ‘NO LIFE WITHOUT WIFE’ લખી નાખ્યું. મારૂં શું ? મારે શું લખવું ?? મારા દિલના ‘ઝુરાપા’ને જો તને લખી મોકલું તો તું રડી પડશે એવી બીકે આ કલમ અટકી અટકીને ચાલે છે. પણ હકીકત એ છે કે હવે હું તારાથી કશું જ છુપાવી શકું તેમ નથી ! હું હવે સંપુર્ણપણે ‘તારામય’ થઇ ગઇ છું. ‘હું’ અને ‘તું’ બન્ને પરસ્પરમાં ઓગળીને ‘આપણે’ થઇ ગયું છે. તું મારા જીવનમાં આવ્યો ન હોત તો આ જીંદગી આટલી રંગીન, આટલી ખુબસુરત ન હોત. આ ઝુરાપો, આ વિરહ, આ વલોપાત તને પામવા માટેની તપસ્યા માત્ર છે પ્રિયે ! સાચે જ તું મને ખુ…બ   જ ગમે છે. પુછતો નહી કે શા માટે ? 

         હું આવતા વીક એન્ડમાં થનારા આપણા મિલનની પ્રતિક્ષામાં છું. આ વખતે મારે તને પ્રેમના કેશુડા રંગે રંગી નાખવો છે! મારે તારી આંખોમાં આંખો પરોવીને હાડોહાડ હસવું છે. તારા ખભે માથું મુકીને તારા વિરહથી આંખોમાં ઝળુંબાઇ રહેલાં થોડાંક આંસુઓ સારવાં છે. અને ડાર્લિંગ, પછી તારા જ રૂમાલથી તારા હાથે મારે મારાં આ મોતી શાં અશ્રુઓ લુછવાં છે. 

          તે અગાઉ પત્રમાં લખેલું કે ‘આપણે જેને ઝાકળ કહીએ છીએ તે તો આપણા વિરહથી વ્યથીત થયેલા ચંદ્રએ રાતભર સારેલાં આંસુઓ જ છે ! કેમ ખરું ને ?’ સાવ જ ખરું છે. તને યાદ હોય તો આપણા પહેલા એકાંત મિલન વેળા, ચોપાટીથી થોડેક દુર, આછા ઝાંખા અજવાળામાં હું ભીંજાઇ ગયેલી ! જો કે એ લાગણી હતી કે ઝાકળ એ મને ખબર નથી. એ જે હોય તે પણ મને થોડાંક ફિલ્મી ગીતો લખવાનું મન થાય છે…. 

  

હમ તેરે બીન કહી રહ નહી પાતે….. તુમ નહીં આતે તો હમ મર જાતે.. 

  

ચુરા લિયા હૈ દિલકો જો તુમને, નજર નહીં ચુરાના સનમ, 

બદલકે મેરી જીંદગાની, કહી બદલ ના જાના સનમ.. 

  

કુછ હમકો તુમસે કહેના તો હૈ, કુછ તુમકો હમસે કહેના તો હૈ.. 

અલગ અલગ કુછ ભી કહેના નહીં, અલગ અલગ અબ હમકો રહેના નહીં.. 

  

આયે હો મેરી જીંદગીમેં તુમ બહાર બનકે.. 

  મેરે દિલમેં યુ હી રહેના તુમ પ્યાર પ્યાર બનકે… 

  

  

પત્રમાં તો હવે અહીં જ અટકું છું. જરા નજીક આવ તને ચુંમી લઉં ! 

લી., 

તારા દિલની મહારાણી 

 

 

Share

મે 8, 2010 Posted by | મૌલિક પ્રેમપત્રો | 2 ટિપ્પણીઓ

તે કરેલા સ્પર્શ પાંગર્યા છે !

 

પ્રિયે,

 

          જો આજે હું તારા સાંનિધ્યમાં હોત તો મે તને પ્રેમના રંગે અને હૈયાના ઉમંગે રંગી નાખી હોત પણ તું આજે મારાથી દુ….ર છે અને મને તારો પ્રથમ સ્પર્શ, પ્રથમ રોમાંસ અને દિલ વિંધીને કશુંક આરપાર નીકળી ગયાની ઘટના સતાવી રહી છે ! વધુમાં તે આપેલા પરફ્યુમની ખુશ્બુ તારી યાદની તીવ્રતાને બહેકાવી રહી છે ! ખબર જ નથી પડતી કે આ ઝુરાપાને, આ તલસાટને શું નામ આપું. સાચે જ કશુંક ગુમાવીને જીવતો હોઉ તેવું લાગે છે. કોઇક કવિની પંક્તિ અહીં લખવાનું મન થાય છે….

“જોત જોતામાં ત્વચાની ભેખડો તુટી જશે

  લોહી તોફાને ચડયું છે સ્પર્શની ઘટના પછી.”

 

          પ્રિયે, બે દિવસ તારું સાંનિધ્ય માણ્યા પછી ઉમટેલી ખુશીઓના મહાસાગરમાં તારા પત્રના આગમનથી જાણે ભરતી આવી ગઇ છે ! તારા પત્રના ભાવ અને ભાષા, હેત અને લાગણી ખુબ જ હદય સ્પર્શી છે, ડાર્લિગ, માત્ર તારો પત્ર જ નથી આવ્યો પણ જાણેકે તે રૂબરૂ આવીને દિલના દરવાજે ટકોરા માર્યા છે !  મારી બાહુઓમાં સમાઇ જવાની તારી તીવ્ર ઉત્કંઠાએ મને પ્રેમની ચરમસીમાની પ્રતિતિ કરાવી છે. મને લખતાં જ ક્યાં આવડે છે એમ કહીને તે જે કંઇ લખ્યું છે મારા માટે સુક્કીભઠ્ઠ ધરતી પર ઝરમર વરસતા વરસાદ કરતાં ય વિશેષ છે ! પ્રિયે, સાચે જ તને મેળવીને હું કશુંક અસંભવ પામ્યાનો મને અહેસાસ થાય છે. મારી કલ્પનાઓની પેલે પારનું જગત મેં તારી આંખોમાં જોઇ લીધું છે ! સાચું કહું તો મારી અપૂર્ણતાઓ તું છે યાને કે તારા વીના હું અધુરો છું ! તને પામ્યાના અલ્પ સમયમાં મારા અસ્તિત્વને તારાથી દુર કરવાનું ચામડી ઉતરડીને બદનથી દુર કરવા જેટલું અઘરૂં થઇ ગયું છે.

          અત્યારે જ,  આ પત્ર લખતાં લખતાં પણ તને મારા મજબુત બાહુપાશમાં જકડી લઇને તારા અંગે અંગને ચુમી લેવાની ઝંખના થાય છે. તારા લીલાછમ હરીયાળા તન પ્રદેશને કયા કયા અક્ષાંશ રેખાંશે મેં સ્પર્શેલી તે મને હજુ યાદ છે. અને મારી જ એક કાવ્ય પંક્તિની જેમ….

“તે કરેલા સ્પર્શ પાંગર્યા છે, ને રૂવે રૂવેથી ટહુકા ખર્યા છે.”

 

          મેં તારા બધા જ ફોટોગ્રાફસ એક આલબમમાં મને ગમતા ક્રમે ગોઠવી રાખ્યા છે. આવનારાં સૌ ફોટા તારા જુએ છે અને ઇર્ષા મારી કરે છે ! સાડીમાં તું સાચે જ જામે છે, ખીલે છે, ખુલે છે. તારો ફોટો જોઇને એક કવિતા લખી છે…

“તારો ચહેરો જોઇને મને તરસ લાગે છે,

સાડીમાં તું સાચે જ બહુ સરસ લાગે છે.

 

          પ્રિયે, લાગે છે કે મારા ખ્વાબો અને ખ્યાલોને તે થોડાક કલાકોમાં જ સમજી લીધા છે. અને એટલે જ અલ્પ ક્ષણોમાં આપણે અત્યંત નિકટ આવી ગયા છીયે. પ્રિયે હું તો તારી સાથે એવો નાતો ઇચ્છું છું કે જેમાં હું અને તું ખુદની સાથે વર્તીએ છીએ તેમ એક બીજા સાથે વર્તી શકીયે… ફાવે ત્યારે, ફાવે તેમ ! બાકી હું તો જન્મારાનો તરસ્યો છું… તારે મને પ્રેમથી તૃપ્ત કરવાનો છે. તારો પ્રેમ મને ઝંકૃત કરી મુકશે.

          છેલ્લા દોઢ કલાકથી પત્ર લખીને પ્રિતનો પડઘો પડવા મથું છું પણ પ્રિયે, પ્રિતનો પડઘો પાડવાનું સામર્થ્ય પ્રિયાના પડખા કરતાં વિશેષ બીજે ક્યાં હોય ?? કાશ તું અત્યારે મારી પાસે જ હોત તો ?

 

લી.,

તારા વિયોગે ઝુરતો

તારો દિવાનો

 

Share

માર્ચ 8, 2010 Posted by | મૌલિક પ્રેમપત્રો | 6 ટિપ્પણીઓ

%d bloggers like this: