ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

બીજો વિકલ્પ

 

હું મંદિરમાં પ્રમાત્માને પધરાવીને બહાર નીકળ્યો.

 

મારે આંગળીના ટેરવે ફૂલો ખીલવવાં‘તાં, એમાંથી પ્રસરતી ફોરમના ફોટા લેવા‘તા!

કલકલ વહેતા ઝરણાંના સંગીતને રૂધિરાભિસરણમાં ભેળવી દેવું’તું મારે !!

મારે કોયલનાં ટહુકાઓ વીણી વીણીને ગજવું ભરવું‘તું.

મૃગજળની અડોઅડ જઇ મારે તેની સાથે હાથ મીલાવી ‘હેલ્લો’ કહેવું’તું !

ખીણ અને ટેકરીઓની વચ્ચે સંતાકુકડી રમતા પેલા પડઘાઓની પાછળ પણ હું દોડયો. એય હાથ ના લાગ્યાં !

મેઘધનુષ્યના રંગોને પહેરી જોવાની લાખ કોશીશ કરી પણ નાકામિયાબ !

મોસમની પહેલી વર્ષા સાથે પણ હું વાત ના કરી શક્યો ! ચાંદનીને ઓઢીને સુઇ ગયાની મારી વાત પર, સવાર સવારમાં ‘ગુડ-મોર્નીંગ’ કહેવાને બદલે સુરજ હસ્યો…હસતો રહયો…સમી સાંજ સુધી !

અંતે હું થાક્યો…..

 

ચાલતાં ચાલતાં મને એક ‘પ્રિયતમા’ ભેટી ગઇ..

મેં કલ્પનાના ઘોડા પર સવાર થઇ એના માટે આકાશના તારા તોડી લાવ્યા ! એ ખુશ થઇ ગઇ !

હું એને સ્પર્શયો ને મારી આંગળીના ટેરવે ફૂલો ખીલી ઉઠયાં !

એના શ્વાસમાંથી મ્હેંકતી સુગંધે મને બહેકાવી દીધો,

મારી નસોમાં લોહી કોઇ ઝડપભેર વહેતી નદીની જેમ વહેવા લાગ્યું !

એનો કોયલ જેવો મધુર ટહુકો હવે મારે ગજવે ભરી રાખવાની જરૂર શી હતી ?

અત્યાર સુધી જે મૃગજળ લાગતું હતું તે હવે મારી બાહોમાં હતું !

મારી પ્રિત એના દિલમાં બરાબર પડઘાતી હતી.

મેઘધનુષ્યના રંગોની ઓઢણી બનાવીને પહેરાવવાની મારી વાત એ માની ગઇ !

મારા જીવનમાં એનું આગમન મોસમની પહેલી વર્ષા જેવું હતું !

ચાંદની ઓઢીને સુઇ જવાની વાત પર એ પણ હસી પડી પણ મારી વાત એને ગમી ખરી !

 

હવે મને જાણે બીજો વિકલ્પ મળી ગયો.

મે મારા દિલમાં પ્રિયતમાને પધરાવી દીધી !!

 

 

 

Share

Advertisements

જૂન 28, 2010 Posted by | સ્વરચિત કાવ્યો | 6 ટિપ્પણીઓ

બસ તું જ્યાં નથી, હું ત્યાં નથી !

 

 

તારા શ્વાસોશ્વાસમાં, આંખોના ઉજાસમાં,

રેશમી લેબાશમાં અને નાજુક બાહુપાશમાં !

દિલના ધબકારામાં, નયનોના પલકારામાં,

ધડકતી રગોમાં, લોહીની ટશરોમાં,

ચહેરાની ખુશાલીમાં, હોઠો પરની લાલીમાં,

જુસ્સામા, જોમમાં, તારા રોમેંરોમમાં,

અંબોડાની વેણીમાં, રેખા થઇને હથેળીમાં,

કપાળની બિંદીમાં, હાથે રચેલી મહેંદીમાં,

આંગળીએ અંગુઠીમાં, તે ભીંસેલી મુઠ્ઠીમાં,

ઝાંઝરના ઝમકારામાં અને ખુદ તારામાં.

 પ્રિયે,

તું મને શોધ, હું ક્યાં ક્યાં નથી ?

બસ તું જ્યાં નથી, હું ત્યાં નથી!

 

Share

જૂન 23, 2010 Posted by | સ્વરચિત કાવ્યો | 5 ટિપ્પણીઓ

હમ તો તેરે આશિક હૈ સદીયો પુરાને…

યે દિલ હૈ કે માનતા નહીં..

 

 હાય ડાર્લિગ !

          ગઇકાલે ફ્રિ પિરિયેડમાં તું જ્યારે બહાર લટાર મારવા ગઇ ત્યારે મેં તારો મોબાઇલ ચુપકીથી જોઇ લીધો હતો. તારા Contect Listમાં મારું તો નામ જ નથી! મેં એમ સમજીને મનને મનાવી લીધું કે જેનું નામ દિલમાં કોતરાઇ ગયું હોય તેનું નામ મોબાઇલમાં ન હોય તો ચાલે જ ને !! પણ જેના મોબાઇલમાં મારો ફોન નંબર નથી એના પર્સમાં મારો ફોટો હશે એવી મારી કલ્પના તો ખોટી જ ને ? એ જે હોય તે પણ ‘હમ તો તેરે આશિક હૈ સદીયો પુરાને, ચાહે તું માને, ચાહે ન માને…..’

          આમ તો વેકેશન ખુલ્યા પછીના પહેલા વીકમાં ભણવા જવાની આદત મને બાળપણથી જ નથી. આ તો તારા સાંનિધ્યને માણવા માટે જ ઉઘડતી કોલેજે આવા ગરમીના દિવસોમાં કલાસમાં ગુડાવું પડે છે! એનો ય વાંધો નથી પણ કોલેજ આવ્યા પછી ખબર પડે કે મહારાણી આજે રજા પર છે તો કેવો ફોગટનો ફેરો પડે ? જાણે  “ખુબ દોડયા પછી અમે એવા મુકામ પર પહોંચ્યા, જાણે ખીસ્સું સાવ ખાલી ને દુકાન પર પહોંચ્યા”

          આમ તો ક્યાંય મોગરાની સુગંધ પ્રસરે એટલે તું આજુબાજુમાં જ હશે એવો વ્હેમ જાગે. ચોપાટી પર કોઇ વછેરીનો દોડવાનો દબડક દબડક અવાજ સાંભળું ને મને થાય છે કે તું કલાસની બહાર પેસેજમાંથી ઍડીવાળાં ચપ્પલ પહેરીને દોડતી આવી રહી છે! મને તો એવી કલ્પના પણ આવે છે છે કે તું મને કોલેજ જવા માટે લેવા આવે , હું ઘરની ગેલેરીમાં ઉભો હોઉં ને તું મને બુમ પાડે. આપણે હાથમાં હાથ પરોવીને કોલેજના કેમ્પસમાંથી કલાસમાં જતાં હોઇએ એવાં સપનાં તો મને લગભગ રોજ આવે છે !

          પણ તું કેટલી નાદાન છે, નાસમજ છે ? તું તો મને એવી રીતે બોલવે છે કે હું તારો કશું જ થતો ન હોઉં !! મિત્ર પણ નહીં ! મને એવું લાગે છે કે તુ શરમાળ છે ને એટલે આ રીતે વર્તે છે. કે પછી મને તલસાવવામાં, તડપાવવામાં તને મજા આવે છે ? એ જે હોય તે પણ મેથ્સના ટીચર મને ‘ડોબો’ કહે ત્યારે તું નીચું જોઇને જે રીતે હસે છે તે મને નથી ગમતું છતાંય તારું હસવું મને ગમે છે ! ગયા વીકમાં મેં કલાસના નોટીસ બોર્ડ પર એક કવિતા મુકેલી એની નીચે કોઇએ કોમેન્ટ લખેલી, ‘મુર્ખાઓ દિલ વલોવી વલોવીને કવિતાઓ લખે છે અને શાણાઓ એને વાંચીને હસી લે છે!’ મને એવું તો નથી જ લાગતું કે આ તે લખ્યું હશે પણ અક્ષર મને તારા જેવા કેમ લાગે છે ?! એ જે હોય તે પણ તારા સુંદર વળાંકવાળા અક્ષરો મને ખુબ જ ગમે છે.

          વેસ્ટર્ન આઉટ ફીટસની ડિઝાઇન તો ડિઝાઇનરે તને ધ્યાનમાં રાખીને જ બનાવી હોય એવું મને લાગ્યા કરે છે! આ પંજાબી ડ્રેસની શોભા તો તારા જેવી ગુજરાતણ જ વધારી શકે. એ જે હોય તે આપણા કોલેજવાળા ‘સાડી ડૅ’ કેમ ઉજવતા નથી ?!

          કોઇકે એમ કહ્યું છે કે સામાવાળાના દિલમાં તમારી કેટલી જગ્યા છે એની ખબર તમારા ઇમેઇલના ઇનબોક્ષમાં એના કેટલા મેઇલ પડયા છે એના પરથી પડે છે. મને વિચાર આવે છે કે આપણે ઇન્ટરનેટના આ જમાનામાં ‘નૅટ’ થી ‘ચૅટ’ કરતા રહીએ તો કેવું ? એમાં પાછું જોખમ ઓછું અને સગવડતા વધારે.

          ડાર્લિંગ, સપના અને કલ્પનામાં તને મળવાની મને આદત પડી ગઇ છે. આજે પહેલીવાર તને પત્ર લખવાની મેં હિંમત કરી નાખી છે. મને એવું કહેતાંય નથી આવડતું કે, ‘યે મેરા પ્રેમપત્ર પઢકર… તુમ નારાજ ના હોના…, તુમ મેરી જીંદગી હો…. કી તુમ મેરી બંદગી હો….’ એ જે હોય તે પણ તું નારાજ થઇ જશે તો હું કોલેજ આવવાનું બંધ કરી દઇશ. મારી કારકિર્દી જોખમમાં ન આવી પડે તે તો તું જોશે જ ને ? મારી તો બસ એટલી જ ભાવના છે કે, ‘તુમ જૈસી કોઇ મેરી જીંદગીમેં આયે….તો બાત બન જાયે….’

 

લી.,

તારા પછીની ત્રીજી પાટલી પરથી

તારો દિવાનો

 

Share

જૂન 21, 2010 Posted by | મૌલિક પ્રેમપત્રો | 3 ટિપ્પણીઓ

લાગણીની પણ તસ્વીર લેવાતી હોત તો ?

         

          લાગણીની પણ તસ્વીર લેવાતી હોત તો ?

          આ ધડકનની હેરાફેરી થાતી હોત તો ?

 

                         દિલનો પણ નીકળે છે તાગ ક્યાં,

                         નિયત એની રડાર પર ઝીલાતી હોત તો ?

 

          જુદાઇ પળભર પણ પોસાય ના !

          બે દિલ વચ્ચે હોટ લાઇન જોડાતી હોત તો ?

 

                         કાનમાં કોણ ટહુકે તારા વગર ?

                         કેસેટ સીધી જ દિલમાં મુકાતી હોત તો ?

 

          પ્રેમ પણ એક રમત છે લાગણીની,

          એ મેચ પણ ટેલીકાસ્ટ કરાતી હોત તો ?

 

 

Share

જૂન 18, 2010 Posted by | સ્વરચિત કાવ્યો | 5 ટિપ્પણીઓ

કાંકરી-ચાળો

 

શાંત પાણીમાં મે કાંકરી-ચાળો કર્યો, 
લાગણીવશ નાહક સંબંધ સુવાળો કર્યો!

આટલી નીકટતા મેં ધારી’તી ક્યાં ? 

સુવાળા સંબંધ ને હાથે કરી આળો કર્યો!

લાગણીઓનું સરવૈયું કઢાય ના સખી, 
‘સંબંધ’ પણ ન બચ્યો, ચોપડો કાળો કર્યો! 

જે ચગદાઇ ગયું છે અપેક્ષાના ભારથી,

એ હૈયું લુટાઇ ગયાનો તે હોબાળો કર્યો! 

લાગણીઓ વીના હું ય જીવત શી રીતે ? 
થોડીક કીરાયે મળી, થોડોક ફાળો કર્યો! 

.

 .

-સુરેશ લાલણ 

Share

જૂન 16, 2010 Posted by | સ્વરચિત કાવ્યો | Leave a comment

યે આંખે દેખકર હમ સારી દુનિયા ભુલ જાતે હૈ…

 
 
                                           પ્યાર કરતે હૈ હમ તુમ્હે ઇતના.. દો આંખોમેં ક્યા દો જહાંમેં ન સમાય ઇતના..

  

 મારા હૈયાની રાણી,  

 

           હું તને કોઇપણ સંબોધન કરું, મને એ તારા માટે નાનું અને અધુરું જ લાગે છે.  પેલા ફિલ્મી ગીતની જેમઃ ‘તું પ્યારકા સાગર હૈ, તેરે એક બુંદકે પ્યાસે હમ…’  

   

           કે..ટ..લા દિવસો વીતી ગયા છે પ્રિયે આપણને રૂબરૂ મળ્યાને ? ગયા અઠવાડીયે એક મસ્તીલી અને માદક સાંજે આપણે મહાપરાણે, ભારે હૈયે છુટાં પડેલાં, ત્યારે મારા બદન પરથી કોઇ ચામડીને ઉતરડીને દુર કરી રહેલું હોય એવી વેદના મને થયેલી ! સારું છે કે તારી સખીએ તને એ પળે સંભાળી લીધેલી.. મારે માટે તો આંસુઓને આંખમાં સાચવી રાખવાનું ય મુશ્કેલ હતું ! તારી આંખોમાંથી ટપકતો વિષાદ મારી આંખોને ભીંજવીને જ રહ્યો ! મારી નજરો નજર રીક્ષામાં બેસીને તારી ગાયબ થઇ જવાની ઘટનાથી હું તો ઠીક, મારી ગાડીનું એંજીન પણ ઘડીભર માટે ઠંડુ પડી ગયેલું. પ્રિયે, તારા વીનાનું જીવન હવે અસલામત લાગે છે. તે કયારેય જળ વીના તરફડતી માછલી જોઇ છે ? ના જોઇ હોય તો એકવાર છુપા વેશે આવીને મને જોઇ લેજે !!   

            

           તારા અહીંથી ગયા પછી રસ્તામાં તું કેમ રડેલી ? તને યાદ હોય તો મેં તને પહેલી મુલાકાતમાં કહેલું, ‘ગાડી- બંગલાનું વચનતો હું તને નથી આપતો, એ તો થોડુંક સંજોગોને આધિન છે. પણ એક વચન આપુ છું કે તારી આંખોમાં ક્યારેય આંસુ નહીં આવવા દઉં.’ –અને મારા જ વિયોગે, મારા જ કારણે તારે રડવું પડયું !?  

              

           આજે તો પત્ર લખવાનો ય મુડ નથી. પત્રમાં લખી લખીને શુ લખાય ? લાગણીના ફોટા પાડી શકાતા હોત તો હું એની રંગીન તસ્વીરો તને મોકલાવત. મારા દિલની ધડકનને તારા દિલમાં મુકીને સમજી શકાતી હોત તો ધડકનો વીણી વીણીને આ પરબીડીયું ભરી નાખ્યું હોત. ઠીક છે કે ફોન છે નહીં તો તારું અને મારું શું થાત ? એક વાત છે, ક્યારેક તો તું જે પ્રત્યક્ષ નથી કહીં શકતી તે ફોનમાં કહી દે છે ! હમણાં જ તે મને મારી જ એક પંક્તિ સંભળાવી દીધેલી કે, ‘બધા જ ગુણો હોય જો કોઇ વરમાં સજનવા, એની ગણના થાય છે સુ-વરમાં સજનવા !’  ખેર, મેં કંઇ તારી આવી નાદાનિયતને ગણનામાં નથી લીધી. મને તો તને ફોન પર સાંભળતો હોઉં ત્યારે તું જાણે મને અવાજ દ્વારા સ્પર્શી રહી હોય એવું લાગે છે અને અવાજના આ જાદુઇ સ્પર્શથી મારા રુંવે રૂવેથી કલરવ ઉઠે છે, અંતરમાં પરમ તૃપ્તિ થાય છે પણ શરીરમાં એક ખાસ પ્રકારની પ્યાસ જાગે છે.   

             

            તું પાસે નથી તો તને યાદ કરીને જીવું છું. આવનારા દિવસોની કલ્પનાઓ જ મને રોંમાંચિત કરી મુકે છે. પછી એ કલ્પનામાં વારંવાર પરસ્પરના ગાઢ આલિંગનની ભીંસમાં ઓગળી જતા અસ્તિત્વની ઘટના હોય કે આ દિવ્ય પ્રેમની ફળશ્રુતી સમું હસતું ખીલતું ફૂલ ! માત્ર તારા અને મારાથી રચાયેલી એ દુનિયા કેટલી રંગીન હશે, ડાર્લિંગ ?   

              

             આજે તો હવે અહીંથી જ અટકું છું. આવજે !   

     

લી.,   

તારા દિલના રજવાડાનો રાજા !   

          

   

 

Share

જૂન 15, 2010 Posted by | મૌલિક પ્રેમપત્રો | 3 ટિપ્પણીઓ

%d bloggers like this: