ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

હમ તુમ્હે ચાહતે હૈ ઐસે…

 

હમ તુમ્હે ચાહતે હૈ ઐસે..

મરનેવાલા કોઇ જીંદગી ચાહતા હો જૈસે..

 પ્રિયે,   

          આજકાલ મારી ખુશીઓની સીમાઓ ખુબ વિસ્તરી ચુકી છે પ્રિયે! મારું દિલ જ નહીં મારું આખુ ઘર પણ ખુશીઓથી છલકાઇ ગયું છે! માત્ર જીવન જ નહી મારું આખું અસ્તીત્વ જ જાણે બદલાઇ ચુક્યું છે. તારા આગમનના એંધાણ માત્રથી મારા અઠ્ઠાવીસ વર્ષના આયખાને લાગેલો થાક ક્ષણભરમાં ઉતરી જશે એવી કલ્પના પણ ક્યાં હતી? હવે નિરસતા, થકાવટ, ઉદાસીનતા, ગંભીરતા ભાગી ગઇ છે અને જીવનમાં જાણે કશીક સુગંધ, સુવાળપ, મીઠાશ અને મદહોશી પ્રવેશી ગઇ છે પ્રિયે! પણ એ બધું તારા જ પ્રતાપે!!

         પ્રિયે, હું જ્યારથી સમજણો થયો ત્યારથી જ એવા પ્રેમની, એવા પાત્રની શોધમાં હતો કે જેની આંખોમાં બાળકના જેવી નિર્દોષતા, ચહેરા પર ગીત ગાતા પક્ષીઓના જેવો ઉમંગ, હોઠો પર સદાય રમતું સ્મિત અને હૈયામાં સાગરના જેવી વિશાળતા હોય!  ..તું જ કહે સખી તારામાં આમાંનું શું નથી??

         તું તો મારી કલ્પનાનું સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ છે સખી! તું હવે તું મટીને મારી જિંદગી બની ગઇ છે. તું સાચે જ ગાલીબની કોઇ ગઝલ જેટલી સુંદર છે! તું રમેશ પારેખના સોનલ-ગીત જેવી મધુરી છે!   તું જગતના સૌથી જુના પીણા જેવી માદક છે!  મારા માટે તું એક વ્યક્તિ મટીને શક્તિ બની ગઇ છે!  તું માત્ર તું નથી તું તો મારી આરાધ્ય દેવી છે! હું દેવીને પુજુ એના કરતાં વધારે ઉત્કૃષ્ટતાથી તને ચાહું છું!!

         શબ્દો મારે હાથવગા હોવા છતાં ય પત્રમાં કોઇ લય જાળવ્યા વગર માત્ર વરસી રહ્યો છું. જો કે એક જણ તરસે અને એક જણ વરસે એજ તો પ્રેમની સાચી ઓળખ છે પ્રિયે. ખબર નથી કે તને શું થતુ હશે?   હું તો સતત તારું સાંનિધ્ય ઝંખતી અજીબ બેચેનીથી તરફડી રહ્યો છું. દિલના પ્રેત્યેક ધબકારમાં તારા નામનો સાદ સંભળાય છે. મારી હથેળીઓ તેની અંગુલીઓ પર રેશમી સ્પર્શનાં ફૂલો ખીલવવા તલસે છે. મને થાય છે કે તારા અંગેઅંગમાં પણ ગુલમહોરનાં પુષ્પો ખીલી ઉઠયાં હશે!!

          ‘સપનોકી રાની‘ માટે સર્જી રાખેલું કલ્પનાનું એક આખું જગત સાકાર થવા તરફ જઇ રહ્યું છે. તું જલ્દી મારા શહેરમાં  આવ નહીં તો મારે ત્યાં આવવું પડશે સખી!  મારે માત્ર તને મન ભરીને માણી લેવી છે એવું જ નથી  મારે તો તારી આંખોના ઉંડાણમાં ખુંપી જવું છે..તારા દિલની ધડકનોના સંગીતમાં ભળી જવું છે.. તારી નસોમાં વહેતા વહેતા લાલ લાલ લોહીની સાથે સહેલગાહ કરવી છે મારે.. મારે તારા હોઠોને પી જવા છે. તારી પાતળી નાજુક કમરને આલંગીને મારે તુટી જવું છે.. તારા ભાલ પ્રદેશમાં લટકતાં વાળનાં ઝુમખાંઓના સ્પર્શ વડે મારે મારા ગાલોને રોમાંચિત સંગીતનો અનુભવ કરાવવો છે પ્રિયે!

         પત્રમાં  બીજું શું લખું પ્રિયે?  આ શબ્દો મારું આિલંગન છે અને લખાણ મારું ચુંબન!  એક બાજુ સમયનો અભાવ અને બીજી બાજુ તારો તલસાટ!  બન્ને વચ્ચે બહાવરો બની આ પત્ર લખી રહ્યો છું.

        જો કે એક આશ્વાસન છે પ્રિયે કે આપણા વિરહની આ ક્ષણો પછી દીર્ઘ મિલનમાં પરીણમશે. ખોબલે ખોબલે પ્રેમની વાતો માંડશું!  વાતો ય ખુટે નહીં ને રાતો ય ખુટે નહીં એ દિવસો ય હવે બહું દુર નથી!

        તારી સાથે તારા પત્રનો ય ઇંતજાર કરું છું. અટકું છું પ્રિયે. આવજે.

                                                                                                                        લી;

                                                                                                           હું ઉર્ફે તારો વિખુટો આત્મા.

 

 

ભરબપોરે ફોન પર તારો મધુ૨ રણકો સાંભળી હૈયું લાગણીથી તરબતર થઇ ગયું. તે કહ્યું કે હું તને ભુલી ગયો!   રે! પ્રિયે! કોઇકે કહ્યું છે એમ:

  

કોને સ્મરીને હું તને ભુલું ?

હવે આ દૂનિયામાં કોણ તારી તોલે છે ?

 

અંતમાં ફિલ્મી ગીતની એક પંક્તિ કહેવાનું મન થાય છે.

મેરી તમન્નાઓકી તસ્વીર તુમ સંવાર દો… 

પ્યાસી હૈ મેરી  જિંદગી તુમ મુજે પ્યાર દો… 

 

Share

Advertisements

જાન્યુઆરી 30, 2010 Posted by | મૌલિક પ્રેમપત્રો | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: